29-9-2017
જયવતીબહેન કાજી – આ નામ સાંભળતાં, વાંચતા જ એમનો સસ્મિત ચહેરો નજર સમક્ષ તરવરી ઊઠે છે. એમની સાથે સંવાદ હોય કે એમનાં લખાણ હોય – સેન્ટ્રલ આઇડિયા તો પોઝિટિવ, હકારાત્મક જ હોય : “મોંઘું જીવન મળ્યું છે, મજેદાર જીવીએ’’ એમનાં મનન અને લખાણનો સાર – એમના જીવનનો એકમાત્ર સંદેશ છે : આપણી પાસે જીવવા માટે એક જ જિંદગી છે. હકીકત છે કે જીવનમાં દુ:ખ પણ રહેલું છે અને એ રહેશે જ. તેનો છેદ નહીં ઉડાડી શકીએ. તો પછી જિંદગીને મુસીબતોનો પહાડ માનવાને બદલે આનંદનો અવસર કેમ ન માનવો?’’
એમની આ વિચારધારાનો પ્રવાહ એમનાં સંખ્યાબંધ પુસ્તકોમાં વહે છે. ‘જન્મભૂમિ-પ્રવાસી’ના વાચકોને એમણે આ લાભ આપ્યો છે તેનો અમને પણ આનંદ અને સંતોષ છે.
જયવતીબહેનના માતૃભાષા – ગુજરાતી પ્રત્યેના પ્રેમ અને આગ્રહનું આપણને ગૌરવ હોવું જોઈએ. એમનો પરિવાર – પુત્રીઓ અમેરિકામાં હોવા છતાં ગુજરાતીમાં બોલવા-સમજવાનો એમનો આગ્રહ આદરપાત્ર હતો.
એમનાં લખાણ-પુસ્તકોનું સંકલન કરીને E bookમાં આપીને એમનાં પુત્રી અસ્મિતાબહેને સાચે જ માતાને શ્રદ્ધાંજાલિ અર્પી છે…
પૉઝિટિવિટી અને ઝિંદાદિલીથી ભરપૂર જયવતીબહેનને પ્રેમપૂર્વક પ્રણામ
હું એમને મળી ત્યારે તેઓ પગની તકલીફથી પીડાતાં હતાં. ઘરમાં અશોકભાઇની તબિયત પણ સારી ન હતી. બંને દીકરીઓ પરદેશ, છતાં કોઇ ઉદ્વેગ નહીં. ન કોઇ નબળી વાત કે ન કોઇ કૃત્રિમ ઉત્સાહ. શાંતિથી જીવે. કંઇ ને કંઇ લખતા હોય. ‘જન્મભૂમિ’માં ફોન કરે ત્યારે કોઇ નાની મઝાની વાતથી મન ખુશ કરી દે. થોડો વખત થાય એટલે મળવા બોલાવે. કહે, ‘હું આવી શકતી હોત તો હું જ આવત.’ જીવનને સ્વીકારવાનો અને આનંદમાં રહેવાનો અભિગમ સ્વભાવમાં એવો વણાઇ ગયેલો કે તેમની વાતો અને લખાણમાંથી તો નીતરે જ, પણ આસપાસના લોકોને પણ તાજા કરી દે.
તેમના છેલ્લા બે પુસ્તકો લખાતાં હતાં ત્યારે અમારે વધારે નજીક રહેવાનું થયું. જયવતીબહેનનો આગ્રહ, કે મારે લેખો વાંચી જવા, સૂચનો આપવાં, સંખ્યા અને અનુક્રમ ગોઠવવામાં મદદ કરવી અને છેલ્લું પ્રૂફ જોઇ-તપાસી ‘બધું બરાબર છે’ની મહોર મારવી. હું હસું, ‘જયવતીબહેન, તમે મને ખોટી ચડાવો છો. તમને સૂચનો આપવાનું મારું શું ગજું ?’ ત્યારે પીઠ પર હાથ મૂકે, ‘એ મને નક્કી કરવા દો.’
આ પુસ્તકોમાંથી ઝીણવટથી પસાર થઇ ત્યારે હું ગુજરાતી સાહિત્યથી સારી એવી પરિચિત થઇ હતી. ફિલગુડ અને બી પોઝિટિવ પ્રકારનાં અનુવાદનાં પુસ્તકો મોટા પ્રમાણમાં બહાર પડી રહ્યાં હતાં. મેં જોયું કે આ પ્રકારનું પ્રેરણાદાયક સાહિત્ય જયવતીબહેને તો વીસ-પચીસ વર્ષ પહરલાથી બહાર પાડવા માંડ્યું હતું. એ પણ માત્ર અનુવાદ નહીં. વિદેશી પ્રેરણાસાહિત્ય વાંચ્યું હોય તેમાંથી કશુંક ઉત્તમ લે, તેને બરાબર તેના મૂળ લેખકના નામ સાથે અવતરણ કે સમર્થન તરીકે મૂકે અને પોતાના વિચાર તેમાં ગૂંથે. નાના નાના લેખ – ઉદાહરણ, અવતરણ અને મૌલિક ચિંતનથી સભર છતાં હળવાફૂલ. બધાને સમજાય. દરેકને રસ પડે. સૌને પોતાની જીવનસફર માટે મઝાનું ભાથું મળે. વૃદ્ધાવસ્થાનું સ્વાગત કરતાં પૉઝિટિવ લેખોની પહેલ પણ કદાચ એમણે જ કરી. તેમને વહેલી મળી હોત તો, વધારે મળી હોત તો, એવો અફસોસ થાય ત્યારે એમનો હસતો ચહેરો દેખાય છે. જાણે કહેતા હોય, ‘આટલું મળ્યા એ પણ ઓછું નથી, ખરું કે નહીં ?’
હવે તો અમારા પરિવારમાં જયવતીબહેનના પુસ્તકો ભેટમાં આપવાનો રિવાજ થઇ ગયો છે.
નજર સામે જયવતીબહેનનો ખુશનુમા ચહેરો દેખાય છે. એ મરકાટમાં સભર જીવન જીવ્યાનો સંતોષ ઝળકે છે. એ સભરતા જેમ એમાં ચેહરા ઉપર હતી એમ એમના સર્જનમાં પણ છે.એમનાં લઘભગ ત્રીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. એ બધાનાં હાર્દમાં આ માનવીય ગરિમા રહેલી છે. સમાજજીવનમાં વ્યાપ્ત અરાજકતાની સામે તેઓ સતત રચનાત્મક અભિગમ ચીંધી બતાવે છે. નારીજીવન અને વાર્ધક્યની સમસ્યાઓ પ્રત્યે એમની વિશેષ સહાનુભૂતિ છે.
એમની ભાષા સરળ છતાં રસાળ. ભાષાના વિશેષ કોઈ અલંકાર વગર એમનું લેખન જીવન આશાથી ઉજળું છે. એમનું પુસ્તક “દીવાલ નહિ પણ સેતુ” ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત છે. લઘભગ બે દાયકા સુધી તેઓ ઓલ ઇન્ડિયા રેડીઓમાં બાળકો અને બહેનોના કાર્યક્રમના નિર્માત્રી રહ્યાં. પ્રસિદ્ધ અખબારો અને સામાયિકોમાં તેઓ નિયમિત પ્રગટ થતાં રહ્યાં છે.
એમનું સર્જન હવે આમ આંગળીના ટેરવા જેટલું નજીક છે એનો આનંદ વ્યક્ત કરું છું.
દીપક દોશી
સંપાદક
“નવનીત સમર્પણ”
જયવતીબેન કાજી નવભારત પરિવાર ના ખુબજ જાણીતા લેખિકા હતા. તેમના તમામ પ્રકાશનો નવભારતે પ્રગટ કર્યા છે. તેમનો અમારા વિશે અને ખાસ તો ધનજીભાઈ માટે નો પ્રેમ અને આદર હતો તે માટે જયવતીબેન અવારનવાર યાદ આવશે. જયવતીબેન નું કોઈ પણ પુસ્તક વાચક ખરીદી જાય ત્યાર બાદ બીજી વખત વાચક તેમના બધા પુસ્તકો લેવા અચૂક આવે જ તેવી તેમની સરળ શૈલી હતી અને વાચક ને જાણે એવું લાગે કે તેમના જીવનમાં પણ આવો પ્રસંગ બન્યો છે. સાવ સામાન્ય વાચક ને પણ તેમની સરળ શૈલી સમજાય જતી.
નવભારત ના પરિવાર માં જયવતીબેન ની ખોટ હમેશ રહશે.
નવભારત સાહિત્ય મંદિર
અશોક ધનજીભાઈ શાહ.
Justice Holmes once said : To be 70 years young is sometimes far more cheerful and hopeful than to be 40 years old. Jayavatiben Kaji remained young and cheerful even at age of 93.
How shall we remember her? As a person who epitomized artistry and articulation, care and creativity, love and liveliness? Or shall we remember her as a person who epitomized passion and positivity, smile and sensitivity , wisdom and woman Empowerment? Only time will tell. But we know two things. .Jayavati Ashokbhai Kaji, in her name was JAY and she never accepted a defeat. Ashok was in the middle name and she never believed in SHOK. Despair, depression and dejection were the three words that did not find a place in her otherwise rich vocabulary.
She was fond of taking interviews. Even in the ICU, she had expressed a desire to take an interview of Dr. Udwadia. On the 23rd of December 2015, the Almighty God said to Himself, everybody is asking FROM Me, but nobody is asking Me. Who can take My interview? He thought of none other than Jayavatiben. Ever helpful, she obliged. We miss her. God is busy answering her questions.
સ્વીકાર ગુજરાત સંશોધન મંડળ
જુલાઈ – ડિસેમ્બર ૨୦૧૬
પ્રતિભાવ: ડૉ. અમૃત ઉપાધ્યાય
આ પુસ્તકની વૈવિધ્યસભર સામગ્રીનો રસાસ્વાદ લીધા પછી આપણે લાગે છે કે, સમગ્ર રીતે જોતા, શ્રીમતી જયવતીબહેન કાજીએ વાતચીતની સહજ, સરળ ભાષામાં જીવનનાં બધાં પાસાંની ઊંડાણભરી મીમાંસા કરી છે અને પ્રસંગોના આલેખનમાં એક શિક્ષણશાસ્ત્રી, મનોવિજ્ઞાની, સમાજશાસ્ત્રી, અને દાર્શનિક ચિંતકની ચીવટ દર્શાવી છે.
આ લેખસંગ્રહ શ્રીમતી જયવતીબહેનની ગેરહાજરીમાં, લેખિકાના વિચારમંથન સાથે તદ્રૂપ્ત થઇ, તૈયાર કરીને પ્રગટ કરવાનું સ્વજનકૃત્ય લેખિકાની સુપુત્રી બેહેન અસ્મિતા ભાટિયાએ સુન્દર રીતે કર્યું છે, એ બદલ તેઓ આપણા અભિનંદનના અધિકારી છે.
આ પુસ્તકની એક નકલ પોતાની સહીથી મારા જેવા જુના શિક્ષકને મોકલી આપીને બહેન અસ્મિતા ભાટિયાએ મારી પ્રસન્નતામાં વધારો કર્યો છે એમાં શંકા નથી. ધન્યવાદ !